CBSE Class 8 Gujarati “આંધળી માનો કાગળ (andhali mano kagal)” questions-answers

આંધળી માનો કાગળ

(CBSE Class 8 Gujarati)

અમૃત ભરેલું અંતર જેનું ,સાગર જેવડું સત
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત ,
ગગો એનો મુંબઈ કામે;ગીગુભાઇ નાગજી નામે.

લખ્યે કે,માડી !પાંચ વર્ષમાં પહોંચી નથી એક પાઇ,
કાગળની એક ચબરખી પણ,મને મળી નથી,ભાઈ!
સમાચાર સાંભળી તારા;રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો એમ લખે કે ,ગીગુ મને ભેળો થાય ,
દન આખો જાય દાડિયું ખેંચવા,રાતે હોટલમાં ખાય,
નિત નવા લૂગડાં પે ‘રે ,પાણી જેમ પૈસા વેરે.

હોટલનું ઝાઝું ખાઈશ માં,રાખજે ખરચીખૂટનું માપ ,
દવાદારૂના દોકડા અપને કાઢશું ક્યાંથી,બાપ !
કાયા તારી રાખજે રુડી;ગરીબની એ જ છે મૂડી .

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહીં,તે દિ ‘ પીઉં છું એકલી છાશ ,
તારે પકવાનનું ભાણું ,મારે નિત જારનું ખાણું.

દેખતી તે દિ’ દળણાં પાણી કરતી ઠામેઠામ ,
આંખ વિનાના આંધળાને હવે કોઈ ન આપે કામ.
તારે ઘેર વીજળી દીવા , મારે અંધારાં પીવા.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર ,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ , ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો ,આવ્યો ભીખ માંગવા વારો.

સ્વાધ્યાય

 • નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો.

1) માતાનું અંતર શેનાથી ભરેલું છે ?
જવાબ – અમૃત
2) ડોશીનો ગગો ક્યાં કામ કરતો હતો ?
જવાબ – મુંબઈમાં
3) કેટલા વર્ષથી ઘરે એક પાઇ પહોંચી નથી ?
જવાબ – પાંચ
4) માં દીકરાને ક્યાંનું ખાવાનું ના કહે છે ?
જવાબ – હોટલનું
5) ડોશીમાએ ક્યાં વાસ કર્યો છે ?
જવાબ – કૂબામાં

 • નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો.

1) ડોશીમાં કોની પાસે પત્ર લખાવે છે ? કેમ ?
જવાબ – ડોશીમાં પૂનમચંદના પાનિયા આગળ પત્ર લખાવે છે. કારણ કે તેનો દીકરો મુંબઈમાં કામ કરે છે. તેણે તેની માને પાંચ વર્ષમાં એક પણ પાઇ આપી નથી. એક ચબરખી પણ મોકલાવી નથી. તેના સમાચાર સાંભળી માંને તેની યાદ આવે છે.

2) પૈસાના અભાવમાં ડોશીમાની હાલત કેવી થઇ ગઈ છે ?
જવાબ – પૈસાના અભાવમાં ડોશીએ ઘર અને ખેતર વેચી દીધું અને કૂબામાં રહે છે. જારનો રોટલો ન મળે ત્યારે માત્ર છાશ પીવી પડે છે. આંધળા હોવાથી તેમને કોઈ કામ પણ આપતું નથી અને ભીખ માંગવાનો વારો આવ્યો છે. તેમના ઘરમાં વીજળી પણ નથી. ઘરમાં જાર પણ ખૂટી ગઈ છે.

3) ભાણિયાએ ડોશીમાને શું સમાચાર આપ્યા ?
જવાબ – ભાણિયો ડોશીમાને સમાચાર આપતા કહે છે કે ગીગુ મને રોજ મળે છે , આખો દિવસ કામ કરવા જાય અને રાતે હોટલમાં જમે છે. રોજ-રોજ નવા કપડાં પહેરે છે અને પાણીની જેમ પૈસા વાપરે છે.

4) ડોશીમા પોતાના દીકરાને શું ફરિયાદ કરે છે ?
જવાબ – ડોશીમા પોતાના દીકરાને ફરિયાદ કરતા કહે છે કે તારે રોજ જમવામાં પકવાન અને મારે જારનો રોટલો ખાવાનો. મારા ઘરે હંમેશા અંધારું રહે છે. એકેય અંગ સારું રહ્યું નથી. કોઠીમાં જાર પણ ખૂટી ગઈ છે. જીવવા માટે કંઈ રહ્યું નથી. હવે ભીખ માંગવાનો વારો આવ્યો છે.

 

 • નીચે આપેલી ખાલી જગ્યા પૂરો .

1) માં દીકરાને કાયા રૂડી રાખવા કહે છે .
2) કાવ્યમાં ‘ઘર ‘ માટે ખોરડું શબ્દ વપરાયો છે .
3) ડોશીમાની કોઠીઓમાં હવે જાર પણ ખુટી ગઈ છે .
4) ધનના અભાવમાં ડોશીમાને ભીખ માંગવાનો વારો આવ્યો .
5) ડોશીમા ગગાને ખરચીખૂટતુ નું માપ રાખવા જણાવે છે !

 

 • નીચે આપેલી કાવ્યપંક્તિ વાંચી -સમજી પ્રશ્નોના ઉત્તર આપો .

દેખતી તે દિ ‘ દળણાં – પાણી કરતી ઠામેઠામ ,
આંખ વિનાનાં આંધળાને હવે કોઈ ન આપે કામ .
તારે ઘેર વીજળી દીવા , મારે અંધારાં પીવા .

1) આપેલું વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો .
જવાબ – ડોશીમા જન્મથી અંધ હતા .

2) ડોશીમાને કેમ કોઈ કામ આપતું નથી ?
જવાબ – ડોશીમા આંધળા હોવાથી તેને કોઈ કામ આપતું નથી.

3) ડોશીમા અને પુત્રની પરિસ્થિતિની તુલના કઈ પંક્તિમાં કરવામાં આવી છે ?
જવાબ – “તારે ઘેર વીજળી દીવા , મારે અંધારાં પીવા .” આ પંક્તિમાં ડોશીમા અને પુત્રની પરિસ્થિતિની તુલના કરવામાં આવી છે.

 

 • નીચે આપેલી કાવ્યપંક્તિનો અર્થવિસ્તાર કરો .

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું , કૂબામાં કર્યો છે વાસ ,
જારનો રોટલો જડે નહિ , તે દિ ‘ પીઉં છું એકલી છાશ ,
તારે પકવાનનું ભાણું , મારે નિત જારનુ ખાણું .

ડોશીમા કહેવા માંગે છે કે મેં ઘર અને ખેતર બધું વેચી દીધું છે અને હવે ઝૂંપડીમાં વસવાટ કરું છું . ખાવા માટે જારનો રોટલો ન મળે ત્યારે માત્ર છાશ પીને ચલાવી લઉં છું. તારે જમવામાં પકવાન અને મારે રોજે જારના રોટલા જ હોય છે.

 

 • નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો .
  1) અમરિત – અમૃત
  2) મૂંબય – મુંબઈ
  3) ખરચિખુટ – ખરચીખૂટ
  4) ઝુવાર – જુવાર
  5) વિજડી દિવા – વીજળી દીવા
  6) ચબરખિ – ચબરખી
  7) દવાદારુ –  દવાદારૂ
  8) લીખીતન – લિખિતંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *